અમેરિકાના ડલાસમાં એક ભયાનક હત્યાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. અહીં એક ભારતીય વ્યક્તિનું માથું 4 મિનિટમાં 60થી વધુ ઘા મારીને ધડથી અલગ કરી દેવામાં આવ્યું છે. આ ક્રૂર ઘટનાનો CCTV ફૂટેજ પણ સામે આવ્યો છે, જેમાં આરોપી કપાયેલા માથાને ફૂટબોલની જેમ લાત મારતો જોવા મળે છે.
મૃતક 50 વર્ષીય ચંદ્ર નાગા મકલ્લેયા હતા, જેઓ મૂળ દક્ષિણ ભારતના હતા. તેઓ બારડોલીના એક NRI પાસેથી મોટેલ લીઝ પર લઈને ચલાવતા હતા. આ કરપીણ હત્યા તેમની પત્ની અને પુત્રની સામે જ થઈ હતી. આ ઘટનાએ ડલાસમાં રહેતા ભારતીય સમુદાયમાં શોક અને ભયની લાગણી ફેલાવી છે.
પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના બુધવારે (10 સપ્ટેમ્બર) બની હતી. મોટેલમાં રહેતા 37 વર્ષીય ઇમિગ્રન્ટ યોર્દાનીસ કોબોસ-માર્ટિનેઝ અને ચંદ્ર નાગા મકલ્લેયા વચ્ચે એક તૂટેલા વોશિંગ મશીનનો ઉપયોગ કરવા બાબતે ઝઘડો શરૂ થયો હતો. ચંદ્રમૌલીએ માર્ટિનેઝને તૂટેલા મશીનનો ઉપયોગ ન કરવા કહ્યું, જેના કારણે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ઝઘડો એટલો વકર્યો કે, ગુસ્સે ભરાયેલા માર્ટિનેઝે ચંદ્રમૌલી પર કુહાડી અને ચાકુથી હુમલો કર્યો.
આ હુમલો એટલો ભયાનક હતો કે તે આરોપી ચંદ્ર નાગાને સતત ત્યાં સુધી મારતો રહ્યો, જ્યાં સુધી તેમનું માથું ધડથી અલગ ન થઈ ગયું. ઘટના બાદ તરત જ ડલાસ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આરોપી યોર્દાનીસ કોબોસને લોહીથી લથબથ હાલતમાં અને કુહાડી સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેના પર કેપિટલ મર્ડર (ગંભીર ગુના માટે હત્યા)નો આરોપ મૂકવામાં આવ્યો છે.
હત્યાની ઘટના સમયે ચંદ્રમૌલીની પત્ની અને પુત્ર મોટેલના ફ્રન્ટ ઓફિસમાં હાજર હતા. હુમલાથી બચવા માટે ચંદ્રમૌલી મોટેલના પાર્કિંગમાં દોડ્યા, પરંતુ માર્ટિનેઝે તેનો પીછો કર્યો અને તેના પર સતત હુમલો કર્યો. જ્યારે ચંદ્રમૌલીની પત્ની અને પુત્રએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે યોર્દાનીસે તેમને ધક્કો મારીને દૂર કર્યા અને ભયાનક રીતે ચંદ્રમૌલીનું માથું ધડથી અલગ કરી નાખ્યું. આ હુમલો એટલો ક્રૂર હતો કે, યોર્દાનીસે કપાયેલા માથાને બે વાર લાત મારી અને પછી તેને કચરાપેટીમાં ફેંકી દીધું, જેનો સીસીટીવી ફૂટેજ પણ વાઇરલ થયા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી યોર્દાનીસ કોબોસ-માર્ટિનેઝનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. વર્ષ-2017માં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી. સાઉથ લેક તાહો પોલીસે તેની ત્યારે ધરપકડ કરી હતી. જ્યારે તે નગ્ન અવસ્થામાં એક 22 વર્ષીય મહિલાની ગાડી ચોરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એ સમયે તેણે મહિલાને કારમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો અને પોતે અંદર ઘૂસીને કાર ચોરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે મહિલા પણ કારમાં જ હતી. આ હત્યાએ ડલાસમાં વસતા ભારતીય સમુદાયમાં શોક અને ભયની લાગણી ફેલાવી છે. સ્થાનિક પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
