ગુરુવારે એક કાર્યક્રમ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક અને રાઈટ વિંગ એક્ટિવિસ્ટ ચાર્લી કર્કની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. FBIએ શંકાસ્પદ ગોળીબાર કરનારના નવા ફોટા તેમજ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં 10 સપ્ટેમ્બરના રોજ ઉટાહ વેલી યુનિવર્સિટીમાં ચાર્લી કર્કની હત્યા પછીના દૃશ્ય કેદ થયા છે. FBIના જણાવ્યા અનુસાર, વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ગોળીબાર પછી શંકાસ્પદ વ્યક્તિ છત પરથી કૂદીને યુનિવર્સિટીમાંથી ભાગી જાય છે.
FBIના જણાવ્યા અનુસાર, છત પરથી એકત્ર કરાયેલા પુરાવાઓમાં શૂટરના જૂતાના નિશાન, હાથના નીચેના નિશાન અને હથેળીના નિશાન (આંગળીના નિશાન)નો સમાવેશ થાય છે. શૂટર દ્વારા હત્યામાં વપરાયેલી બંદૂક અને ગોળીઓ યુનિવર્સિટી નજીકના જંગલવાળા વિસ્તારમાંથી મળી આવી છે.
આ ઘટના યુટા રાજ્યની યુટા વેલી યુનિવર્સિટીમાં બની હતી. ચાર્લી અહીં ‘ધ અમેરિકન કમબેક ટૂર’ કાર્યક્રમ માટે આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં ચાર્લી તંબુ નીચે માઈક પકડીને બોલી રહ્યો હોય એવું જોવા મળે છે. પછી અચાનક ગળા પાસે ગોળી વાગે છે, ખૂબ લોહી વહેવા લાગે છે અને તે જમીન પર પડી જાય છે.
ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ ચાર્લી કર્કને મરણોત્તર અમેરિકાના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ’થી સન્માનિત કરશે. આ દરમિયાન, અમેરિકાની ગુપ્ત એજન્સી FBIએ શંકાસ્પદ વ્યક્તિના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા છે.
પાલિટિકલ એક્ટિવિસ્ટ ચાર્લી ટર્નિંગ પોઈન્ટ યુએસએ (TPUSA) નામનું સંગઠન ચલાવતો હતો, જેમાં તે શાળાઓ અને કોલેજોમાં જતો હતો અને વિદ્યાર્થીઓને રાજકારણ વિશે કહેતો હતો.
ચાર્લીને ટ્રમ્પનો કટ્ટર સમર્થક પણ માનવામાં આવતો હતો. હુમલાખોર કોણ હતો અને તેણે આવું કેમ કર્યું એ હજુ સુધી સ્પષ્ટ નથી.
