શિક્ષણના ધામમાં ફરી એકવાર દારૂની બોટલો મળી આવી છે. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ધાબેથી મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો મળી આવી છે. હોસ્ટેલમાં D બ્લોકના ધાબે મોડી રાતે મોંઘી દારૂની અનેક બોટલો મળી આવી છે, જેને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. અગાઉ પણ શિક્ષણમંત્રી યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ તેમના હાથે દારૂની બોટલ લાગી હતી.
https://www.instagram.com/reel/DUC01eSk4-B/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં જ યુનિવર્સિટીની ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ આવેલી છે. ગત(27 જાન્યુઆરી, 2026) મોડી રાતે ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલના D બ્લોકના ધાબેથી દારૂની બોટલો મળી આવી હતી. એક, બે નહીં પરંતુ અનેક દારૂની બોટલો મળી આવતા હોસ્ટેલમાં દારૂની પાર્ટી થતી હોવાની શંકા છે. હોસ્ટેલમાં સિક્યુરિટી ગાર્ડ અને વોર્ડન હાજર હોવા છતાં આટલી મોટી સંખ્યામાં દારૂની બોટલો મળતા અનેક સવાલ ઊભા થયા છે.
અગાઉ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી જ ગાંજાના છોડ મળી આવ્યા હતા. કોઈ અજાણ્યા શખ્સે હોસ્ટેલમાં એક ખૂણામાં ગાંજાની ખેતી કરી હતી જેનો વિદ્યાર્થી સંગઠને પર્દાફાશ કરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ગુજરાત યુનિવર્સિટીમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિતે સ્વચ્છતા એ જ સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્વચ્છતાના પોસ્ટર સાથે ઋષિકેશ પટેલનું સ્વાગત કર્યું હતું. તેમજ ઋષિકેશ પટેલે સ્વચ્છતા એ જ સંકલ્પ કાર્યક્રમને લઈને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓ સાથેના સંવાદ બાદ ઋષિકેશ પટેલે યુનિવર્સિટી કેમ્પસમાં સફાઈ પણ કરી હતી. આ સફાઈ દરમિયાન તેમને યુનિવર્સિટીમાંથી ખાલી દારૂની બોટલ મળી હતી.
