અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી દૂર્ગા સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ 6 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ તેના જ મિત્રની પાણીની બોટલમાં કેમિકલયુક્ત ગોળીઓ નાખી દેતા ખળભળાટ મચી ગયો છે. કેમિકલવાળું પાણી પીતા જ વિદ્યાર્થીની તબિયત લથડી હતી, જેને પગલે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સીસીટીવી ફૂટેજ અને સ્કૂલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, રિસેસના સમયે એક વિદ્યાર્થીએ તેના મિત્રની બોટલમાં કેમિકલની ગોળીઓ ભેળવી દીધી હતી. જ્યારે બીજો વિદ્યાર્થી પાણી પીવા ગયો ત્યારે તેને વિચિત્ર ગંધ આવી હતી. તેણે અન્ય મિત્રોને પણ પાણી સૂંઘાડ્યું હતું, પરંતુ થોડું પાણી પી લેતા તેની તબિયત બગડી હતી અને તે બેભાન જેવી સ્થિતિમાં આવી ગયો હતો.
https://www.instagram.com/reel/DUSTbWZk_G5/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
આ મામલે સ્કૂલના પ્રિન્સિપાલ કેતન શાહે જણાવ્યું હતું કે, બાળકની તબિયત બગડતા જ સંચાલકો તેને હોસ્પિટલ લઈ ગયા હતા અને હાલ તેની તબિયત સ્વસ્થ છે. જે વિદ્યાર્થીએ ગોળીઓ નાખી હતી તેના પિતા પતંગના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેથી શક્ય છે કે બાળક ઘરેથી પતંગના વ્યવસાયમાં વપરાતી કોઈ કેમિકલ ગોળીઓ લઈ આવ્યો હોય.
જોકે આટલી ગંભીર ઘટના બની હોવા છતાં, હજુ સુધી શિક્ષણ વિભાગ (DEO) તરફથી શાળાને કોઈ નોટિસ આપવામાં આવી નથી કે કોઈ સત્તાવાર કાર્યવાહી શરૂ થઈ નથી. વાલીઓમાં આ બાબતે રોષ જોવા મળી રહ્યો છે કે સ્કૂલ કેમ્પસમાં બાળકો આવી જોખમી વસ્તુઓ કેવી રીતે લાવી શકે છે?