રાજ્યમાં કેન્સરના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે અને કેન્સરની ઓપીડીમાં નવા કેસોમાં સતત વધારો થયો છે, યુવાનો અને મહિલાઓમાં કેન્સરના કેસમાં વધારો થયો છે, જીવનશૈલી, તમાકુ, શરાબ, ખોરાક મુખ્ય કારણ છે કેન્સરનું.
દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ ઉજવાય છે આ વર્ષની થીમ United by Unique છે, જે વ્યક્તિ કેન્દ્રિત કેન્સર સંભાળ પર ભાર મૂકે છે. ગુજરાતમાં કેન્સર એક ગંભીર બિમારી બની રહી છે અને સતત કેસોનો વધારો થઈ રહ્યો છે. રાજ્ય આરોગ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લા ચાર વર્ષમાં ૩૦ વર્ષથી વધુ ઉંમરના ૩ કરોડથી વધુ નાગરિકોનું મોંઢાના કેન્સર માટે સ્ક્રીનિંગ કરાયું છે.
સ્તન કેન્સરના કેસો પણ વધ્યા
૧.૬ કરોડથી વધુ મહિલાઓનું સ્તન કેન્સર અને ૮૨ લાખથી વધુ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. ICMR-NCDIRના અહેવાલ મુજબ ગુજરાતમાં પુરુષોમાં દર ૯ માંથી ૧ અને મહિલાઓમાં દર ૧૨ માંથી ૧ને જીવનકાળ દરમિયાન કેન્સર થવાનો જોખમ છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં નોંધાયેલા નવેમ્બર ૨૦૨૫ સુધીમાં પુરુષોમાં મોઢાના કેન્સરના ૧૯૩૧, જ્યારે જીભના કેન્સરના ૯૯૯, ફેફસાના ૮૮૩, પેઢાનું કેન્સર ૪૪૩, અન્નનળીના કેન્સર ૩૭૫ અને અન્ય કેન્સરના ૫૪૬૫ કેસ નોંધાયા છે.
GCRIમાં 6 માસમાં પેટના કેન્સરની 50 રોબોટિક સર્જરી
આ સાથે જ કુલ ૧૦૦૯૬ કેસ નોંધાય છે. જેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જ્યારે મહિલાઓમાં આ સમય ગાળામાં નોંધાયેલા કેસમાં સ્તન કેન્સરના ૧૪૫૯, ગર્ભાશયના મુખના ૭૮૨, મોઢાના કેન્સર ૪૨૧, અંડાશય ૩૩૫, જીભનું કેન્સર ૩૦૭ અને અન્ય ૩૩૯૭ કેસ સાથે કુલ ૬૯૯૮ કેસ નોંધાયા છે. છેલ્લા ૬ માસમાં ૫૦ રોબોટિક કેન્સર સર્જરીઓ કરાઈ છે. છેલ્લા ૩ વર્ષોમાં ૪૦ હાઇપરથર્મિક ઇન્ટ્રાપેરિટોનિયલ કીમોથેરાપી પ્રોસીજર્સ પણ થયા છે.