કહેવાય છે કે જો મનમાં અદમ્ય ઈચ્છાશક્તિ હોય તો શારીરિક મર્યાદાઓ પણ સફળતાના આડે આવતી નથી. આ વાક્યને સાર્થક કરી બતાવ્યું છે સુરતની 15 વર્ષીય અન્વી ઝાંઝરુકિયાએ. ‘રબ્બર ગર્લ’ (Rubber Girl) તરીકે જાણીતી બનેલી અન્વીને આગામી 26મી જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વના અવસરે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ખાસ ‘એટ હોમ’ કાર્યક્રમમાં ડિનર માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અન્વી ઝાંઝરુકિયા (Anvi Zanzarukia) જન્મજાત ‘ડાઉન સિન્ડ્રોમ’ (Down Syndrome) નામની બીમારીથી પીડિત છે, જે એક બૌદ્ધિક અને શારીરિક પડકાર છે. આ ઉપરાંત તેને હૃદયની બીમારી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ હતી. જોકે, અન્વીના માતા-પિતાએ હાર માન્યા વગર તેને યોગ (Yoga) તરફ વાળી હતી. આજે અન્વી યોગમાં એટલી નિપુણ બની ગઈ છે કે તેના શરીરની લવચીકતાને જોઈને લોકો તેને ‘રબ્બર ગર્લ’ તરીકે ઓળખે છે. તેણે રાષ્ટ્રીય સ્તરની યોગ સ્પર્ધાઓમાં અનેક ગોલ્ડ મેડલ (Gold medal) જીત્યા છે અને દેશનું નામ રોશન કર્યું છે.
અન્વીની આ અસાધારણ પ્રતિભાની નોંધ લેતા રાષ્ટ્રપતિ ભવન દ્વારા પોસ્ટ મારફતે ખાસ નિમંત્રણ પત્ર મોકલવામાં આવ્યો છે. 26મી જાન્યુઆરીએ નવી દિલ્હી ખાતે આયોજિત પરંપરાગત ‘એટ હોમ’ કાર્યક્રમમાં અન્વી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે અને ડિનર લેશે. આ સમાચાર મળતા જ સુરતમાં અન્વીના નિવાસસ્થાને ખુશીનો માહોલ છવાઈ ગયો છે. અન્વીના પિતા અને પરિવારજનોએ આ ક્ષણને ગૌરવશાળી ગણાવી છે.
અન્વી માત્ર એક ખેલાડી નથી, પરંતુ લાખો દિવ્યાંગ બાળકો અને તેમના માતા-પિતા માટે આશાનું કિરણ છે. જે દીકરી બોલવામાં પણ તકલીફ અનુભવતી હતી, આજે તે પોતાની પ્રતિભાથી દેશના સર્વોચ્ચ ભવન સુધી પહોંચી છે. અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અન્વીના વખાણ કર્યા છે અને તેને ‘રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવી હતી. અન્વીની આ સફળતા પાછળ તેની સખત મહેનત અને તેના પરિવારનો અતૂટ સાથ છે.