ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા રાજ્યમાં પ્રથમ વખત યુવાનોમાં વાંચન રસ અને વાંચન ટેવનો વિકાસ થાય તે હેતુથી એક નવીન અને પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી છે. આ હેતુસર GTU એ The Book Talk Club સાથે મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર કર્યા છે.
આ ઐતિહાસિક MoU જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર સાહેબના હસ્તે, કુલગુરુ ડૉ. રાજુલ ગજ્જરના માર્ગદર્શન હેઠળ સુસંપન્ન થયો. યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર ડૉ. કેયુર દાર્જી સાહેબ પણ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ MoU અંતર્ગત વાંચન સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવા માટે GTU સેન્ટ્રલ લાઇબ્રેરીમાં વિવિધ કાર્યક્રમો, વર્કશોપ, વાંચન અભિયાન, પુસ્તક ચર્ચા સત્રો અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન GTU લાઇબ્રેરિયન ડૉ. મહેશ કે. સોલંકી કો-ઓર્ડિનેટર તરીકે નિભાવશે, જે યુનિવર્સિટી માટે ગૌરવની બાબત છે.
આજના ડિજિટલ યુગમાં અનેક ઇ-સાધનો, માહિતી સ્રોતો અને ટેક્નોલોજીકલ સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં, યુવાનોમાં વાંચનની ટેવ અને અભિરુચિ વિકસાવવાની જરૂર અત્યંત અનુભવી છે. માહિતીના ભરમારમાં વાચનક્ષમતામાં વધારો અને વિચારશક્તિનો વિકાસ થાય તે માટે વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવું સમયની માંગ છે. આ જ દિશામાં GTU દ્વારા આ MoU એક મહત્વપૂર્ણ અને દુરંદેશી પગલું સાબિત થશે.
MoU પર હસ્તાક્ષર વખતે હર્ષભાઈ બારોટ અને તેમની The Book Talk Clubની સંપૂર્ણ ટીમ હાજર રહી હતી. આવનારા સમયમાં GTU સેન્ટ્રલ લાઇબ્રેરી અને The Book Talk Club સંયુક્ત રીતે યુવાનોને પુસ્તકો સાથે જોડવા, તેમના વાચન ક્ષિતિજને વિસ્તૃત કરવા અને સર્જનાત્મક વિચારોને પ્રોત્સાહિત કરવા વિવિધ કાર્યક્રમો યોજશે.
GTUનો વિશ્વાસ છે કે —“વાંચન જ જ્ઞાનનું મૂળ છે.”અને આ MoU દ્વારા યુનિવર્સિટી વાંચન સંસ્કૃતિને નવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ પુનઃ દૃઢ કરે છે.