ચીનની ઘૂસણખોરી મુદ્દે રાહુલ ગાંધીએ સંબોધન શરૂ કરતાં આજ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઊભા થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, જે માહિતી પ્રકાશિત ન થઈ હોય તેનો ઉલ્લેખ તમે અહીં ન કરી શકો. જે બાદ કોંગ્રેસના સાંસદોએ ભારે વિરોધ કરતાં કહ્યું કે હજુ રાહુલ ગાંધીએ બોલવાનું શરૂ જ કર્યું છે.
રાહુલ ગાંધી આર્મીના જનરલ નરવણેના પુસ્તક અંગે નિવેદન આપવા માંગતા હતા. જોકે રાજનાથ સિંહ વારંવાર ઊભા થઈને વિરોધ કરતાં રહ્યા અને કહ્યું કે આ પુસ્તક પ્રકાશિત થઈ છે કે નહીં? જો પ્રકાશિત ન થઈ હોય તો તમે સંસદમાં ન બોલી શકો.
રાજનાથ સિંહે આક્રોશમાં કહ્યું કે, તમે જે પુસ્તકની વાત કરો છો તે પ્રકાશિત થઈ જ નથી. જે બાદ કોંગ્રેસના સાંસદોએ કહ્યું કે, આ માહિતી મેગેઝીનમાં આવી ગઈ છે. સંસદમાં અગાઉ પણ મેગેઝીનના ક્વોટ બોલવામાં આવ્યા છે. જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઊભા થઈને કહ્યું કે, તમે સ્પષ્ટતા કરો કે આ પુસ્તક પ્રકાશિત થઈ છે કે નહીં? મેગેઝીન તો કશું પણ લખી શકે છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, હું માત્ર 5 જ વાક્ય બોલવા માંગુ છું જેમાં પૂર્વ ચીફ ઓફ આર્મી સ્ટાફ નરવણેએ PM મોદી અને રાજનાથ સિંહ વિશે વાતો કહી છે.
જે બાદ સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, સંસદની કાર્યવાહી સાથે જોડાયેલી ન હોય તેવી પુસ્તકનો કોઈ ઉલ્લેખ અહીં ન કરી શકો.