જૂનાગઢમાં આજથી મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થયો છે, હજારો શિવભક્તો મહાદેવ દાદાના દર્શનાર્થે પહોંચ્યા
Views: 149
0 0

Read Time:7 Minute, 35 Second

​જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવના સાંનિધ્યમાં દર વર્ષે પરંપરાગત રીતે ઊજવાતો મહાશિવરાત્રિનો મેળો આ વર્ષે ‘મિની કુંભ’ તરીકે આસ્થાભેર શરૂ થયો છે. આજે(11 જાન્યુઆરી) સવારે સાધુ-સંતો, મહંતો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવના શિખર પર 55 કિલોના મજબૂત ધજા દંડ પર ધર્મની ધજા ચડાવવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા-અર્ચના બાદ ‘હર હર મહાદેવ’ અને ‘જય ગિરનારી’ના નાદ સાથે આજથી વિધિવત્ રીતે પાંચ દિવસીય મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

આ વર્ષે મિની કુંભના આયોજનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ટ્રાફિકના નિયમન માટે ભરડાવાવ અને ગિરનાર દરવાજાથી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એને પગલે આજે સવારે જૂનાગઢ વહીવટી તંત્ર, મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ સામાન્ય ભાવિકોની જેમ ભરડાવાવથી પગપાળા ચાલીને ભવનાથ મંદિર સુધી પહોંચ્યા હતા. આ આયોજન પાછળનો હેતુ લાખોની મેદની વચ્ચે ભાવિકોને કોઈ અગવડતા ન પડે એ સુનિશ્ચિત કરવાનો છે.

​ધ્વજારોહણની વિધિ પૂર્ણ થયા બાદ ભવનાથ તળેટીમાં ધૂણી ધખાવીને બેઠેલા નાગાસાધુઓએ વિશેષ પૂજા કરી હર હર મહાદેવના નાદ સાથે અલખનો આરાધ શરૂ કર્યો છે. શિવરાત્રિના આ મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. મેળામાં પધારેલા લાખો શ્રદ્ધાળુઓની સેવા માટે મોટાં અન્નક્ષેત્રોથી લઈને નાના ઉતારાઓ કાર્યરત થઈ ગયા છે. આસ્થાના આ મેળામાં દેશ-વિદેશથી ભાવિકો ઊમટી પડતા હોય છે, જેમને સાધુ-સંતોનાં દર્શનની સાથે ભવનાથની પવિત્રતાનો વહાવો મળે છે.

https://www.instagram.com/reel/DUm8lEWExiG/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

સુરક્ષાની દૃષ્ટિએ જૂનાગઢ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે કુલ 3500 જેટલો પોલીસ સ્ટાફ ફરજ પર તહેનાત કરવામાં આવ્યો છે. પોલીસ-બંદોબસ્તમાં 1 ASP, 9 DySP, 38 PI, 135 PSI, 1582 પોલીસ જવાન, 125 ટ્રાફિક-પોલીસ, SRPની 2 કંપની, 600 હોમગાર્ડ અને 651 GRD જવાનોનો સમાવેશ થાય છે. સમગ્ર મેળા વિસ્તારને 5 મુખ્ય ઝોન- દામોદર કુંડ, રૂપાયતન, ભવનાથ, ગિરનાર અને સિટી ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે.

https://www.facebook.com/share/v/17ibDBNa6d

આ વર્ષે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ થયો છે. પાંચ દિવસ યોજાતા આ અલૌકિક મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

જૂનાગઢના સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને દીપાવવા માટે આ વર્ષે પ્રથમવાર ભવ્ય ‘ડમરુ યાત્રા’નું આયોજન કરાયું છે જેમાં, નાયબ મુખ્યમંત્રી પણ સહભાગી થશે. ઇતિહાસમાં પ્રથમવાર સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સંતોનું સ્વાગત કરશે. આ ભવ્ય ડમરુ યાત્રા મેળાના પ્રથમ દિવસે, એટલે કે ૧૧મી ફેબ્રુઆરીના રોજ સાંજે ૭:૦૦ કલાકે ભવનાથ પ્રવેશ દ્વારથી શરૂ થઈ ભવનાથ મંદિર સુધીના અંદાજિત ૪૦૦ મીટરના માર્ગ પર ભક્તિમય માહોલમાં નીકળશે. યાત્રાના સમાપન બાદ ભવનાથ મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોના રાત્રિ રોકાણને આરામદાયક બનાવવા માટે ૮૦૦-૮૫૦ ભાવિકોની ક્ષમતાં ધરાવતો વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ભાવિકો માટે ૨,૦૦૦ ચો.મી.માં ફેલાયેલા આ ડોમમાં ૭૦૦ પલંગ અને ૧૫૦ ફ્લોર બેડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે તેમને ૨૪*૭ હાઉસકીપિંગ, મેડિકલ સહાય, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ અને સામાન રાખવા માટે અલગ લગેજ રેક જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ ઉપરાંત સમગ્ર મેળા વિસ્તારમાં ભગવાન શંકરના કલાત્મક ચિત્રો પણ કંડારવામાં આવ્યા છે. ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધીના રસ્તા ઉપર સુશોભન અને લાઇટિંગ પણ કરવામાં આવી છે. ભવનાથ અને તેની આસપાસના વિસ્તારોમાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની સુવિધા માટે વિવિધ આધુનિક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આ અંતર્ગત, પીવાના શુદ્ધ પાણી માટે ભવનાથમાં ૧૪૦ પરબની વ્યવસ્થા કરાઈ છે. પર્યાવરણની જાળવણી માટે ૧૦ બોટલ ક્રશર મશીન અને કોઈપણ તબીબી જરૂરિયાતને પહોંચી વળવા માટે ૨૮ મેડિકલ સુવિધા કાઉન્ટર્સ પણ કાર્યરત કરવામાં આવ્યા છે.

પાર્કિંગ સ્થળોએથી ખાસ કરીને દિવ્યાંગોને મેળામાં લઇ જવા માટે ર૫ જેટલી રીક્ષાઓથી નિ:શુલ્ક ૫રીવહનની સુવિધા પુરી પાડવાનું આયોજન કર્યું છે.સ્થાનિક તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઈટ એન્ડ સાઉન્ડ શો અને સુરક્ષા માટે બેરીકેટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાશિવરાત્રીની રાત્રે યોજાનારી સાધુ-સંતોની શાહી રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન મેળાનું મુખ્ય આકર્ષણ રહેશે. ‘અતિથિ દેવો ભવ:’ની ભાવના સાથે રાજ્ય સરકાર મહાશિવરાત્રી મેળાને ભક્તિ, શક્તિ અને સુવિધાનો ત્રિવેણી સંગમ બનાવી શ્રદ્ધાળુઓને આવકારવા સંપૂર્ણ સજ્જ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!