PM મોદી 11 અને 12 જાન્યુઆરીએ ગુજરાતના મહેમાન બનશે. 11મી તારીખે રાજકોટમાં રોડ શો યોજી સૌરાષ્ટ્ર-કચ્છ રીજનલ વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવશે. ત્યાર બાદ 12મી જાન્યુઆરીએ અમદાવાદમાં આયોજિત કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવશે.
11મી તારીખે રાજકોટના જૂના એરપોર્ટથી મારવાડી યુનિવર્સિટી સુધીનો રોડ શો
રાજકોટમાં 11 અને 12 જાન્યુઆરી મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર – કચ્છની રીજનલ વાઇબ્રન્ટ સમિટ યોજવાની છે ત્યારે એની સમીક્ષા માટે આજે પ્રભારી મંત્રી જિતુ વાઘાણી રાજકોટ આવી પહોંચ્યા હતા અને તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી, જે બાદ જાહેર કર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીના બપોરે રાજકોટ પધારશે. જૂના એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા સ્વદેશી થીમ સાથે તેમનું સ્વાગત થશે, જે બાદ એક કિલોમીટર જેટલો તેમનો રોડ શો યોજાશે. ગુજરાતની પ્રથમ રીજનલ વાઇબ્રન્ટ સમિટ મહેસાણામાં યોજાયા બાદ હવે રાજકોટમાં યોજાઈ રહી છે, ત્યારે એમાં ખુદ વડાપ્રધાન આવી રહ્યા હોઈ, તેમનું ભારતીય સાંસ્કૃતિક પરંપરા મુજબ સ્વાગત થશે. આ વાઇબ્રન્ટ સમિટમાં જાપાન અને યુક્રેન સહિત 22 દેશો જોડાવાના છે. 6,364 ઉદ્યોગકારોનાં રજિસ્ટ્રેશન થઇ ચૂક્યાં છે. 26400 ચોરસ મીટરમાં ટ્રેડ શો થશે, જેમાં સૌરાષ્ટ્ર – કચ્છના ઓટોમોબાઇલ, સિરામિક સહિતના ઉદ્યોગોને વૈશ્વિક ફલક મળવાનું છે.
પીએમના કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ શરૂ
રાજકોટમાં પ્રભારી મંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે બીજી રીજનલ વાઇબ્રન્ટ સમિટ સૌરાષ્ટ્ર – કચ્છ માટે રાજકોટમાં 11 અને 12 જાન્યુઆરીના યોજાઇ રહી છે, જેનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. એે માટે તા.11 મીએ બપોરે વડાપ્રધાન મોદી રાજકોટના જૂના એરપોર્ટ ખાતે પહોંચશે, જેથી તેમના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે પીએમનું સ્વદેશી થીમ સાથે સ્વાગત કરવામાં આવશે.
PMના હસ્તે ટ્રેડ શોને ખુલ્લો મકાશે
મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે ત્યારે તેમાં ટ્રેડ શોનું પીએમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે, જેમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જાપાન, યુક્રેન, રિપબ્લિક ઓફ કોરિયા, રિપબ્લિક ઓફ રવાન્ડા જેવા દેશો છે. અત્યારસુધીમાં 6,364 રજિસ્ટ્રેશન થઇ ચૂક્યા છે, જેમાં ભારત સહિત 22 દેશોના આંતરરાષ્ટ્રીય કક્ષાનાં રજિસ્ટ્રેશન થયાં છે. 26400 ચોરસ મીટરમાં સમગ્ર પ્રદર્શન યોજાશે, જે મહેસાણાથી પણ મોટું હશે. આ ઉપરાંત 4500 ચોરસ મીટરમાં પેવેલિયન બનાવવામાં આવ્યું છે, જેમાં MSME, કુટીર અને હસ્તકલા ઉદ્યોગના ઉદ્યોગકારો હશે, જેમાં મુખ્ય આકર્ષણની વાત કરવામાં આવે તો ડેઇલી લક્કી ડ્રો, કારીગરો દ્વારા થતું ઉત્પાદન, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ અને GI ટેગ ડિસ્પ્લે રહેશે, જેમાં અદાણી, રિલાયન્સ અને ટાટા કેમિકલ જેવી મોટી કંપનીઓ પણ ચાર ક્ષેત્રમાં સહભાગીદાર થવાની છે. અહીં 4000થી વધુ ઉદ્યમીઓ હશે. 20થી વધુ સેમિનાર હોલમાં દરરોજ અલગ અલગ ક્ષેત્રના સેમિનાર યોજવામાં આવશે.
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 11 અને 12 જાન્યુઆરીના રીજનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ચાર વાઇબ્રન્ટ સમિટ થઈ રહી છે, જેમાં મહેસાણામાં અગાઉ આ સમિટ થઈ ચૂકી છે અને હવે સૌરાષ્ટ્ર કચ્છની રીજનલ વાઇબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાવા જઈ રહી છે. એે બાદ વડોદરા અને છેલ્લે સુરતમાં રીજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાશે. મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં ઉદ્યોગકારો માટે ઉપયોગી અલગ અલગ પ્રકારના સેમિનાર યોજાશે. આ વાઇબ્રન્ટ સમિટથી સૌરાષ્ટ્ર કચ્છના તમામ ઉદ્યોગકારોને ફાયદો થશે.
અમદાવાદમાં રોડ શો અને કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવે એવી શક્યતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 અને 12 જાન્યુઆરી ગુજરાતના પ્રવાસે આવવાના છે. ગુજરાતમાં દર વર્ષે યોજાતા કાઈટ ફેસ્ટિવલનો પણ પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવે એેવી શક્યતા છે. 11 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન રીજનલ સમિટનું ઉદઘાટન કરવાના છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 અથવા 12 જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજનારા કાઇટ ફેસ્ટિવલનું ઉદઘાટન કરશે.
જર્મનીના ચાન્સેલર પણ અમદાવાદના મહેમાન બને એવી શક્યતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં પણ નાનો રોડ શો કરી શકે છે. કાઇટ ફેસ્ટિવલના ઉદ્ઘાટનની સાથે વડાપ્રધાન ફ્લાવર શોની પણ મુલાકાત લેશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જર્મનીના ચાન્સેલર પણ અમદાવાદ આવે એેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સત્તાવાર કાર્યક્રમ હજી સુધી આવ્યો નથી, પરંતુ 10થી 12 જાન્યુઆરીની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે, જેને લઇ આ તમામ તૈયારીઓ માટે હાલ રાજ્ય સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.
જર્મનીના ચાન્સેલર સાથે ગાંધી આશ્રમની મુલાકાત લઈ શકે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં ગાંધી આશ્રમની પણ મુલાકાત લેશે. જર્મનીના ચાન્સેલર પણ ગુજરાત આવવાના છે ત્યારે તેમની સાથે ગાંધી આશ્રમ અને સાબરમતી રિવરફ્રન્ટ જશે. ગુજરાતમાં ચાલતાં વિકાસકાર્યોમાં સૌથી મોટા પ્રોજેક્ટ એવા મેટ્રો ટ્રેન ફેઝ 2 અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી અંગે પણ વડાપ્રધાન રાજ્ય સરકારના અધિકારીઓ સાથે ચર્ચા કરી શકે છે.