અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ, જે રાજ્યની સૌથી સુરક્ષિત જેલ ગણાય છે, ત્યાં ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા થયા છે. જેલ પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલા આકસ્મિક સર્ચ ઓપરેશન દરમિયાન હાઈ સિક્યોરિટી ઝોનમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીની બેરેકમાંથી આઈફોન સહિત કુલ બે મોબાઈલ ફોન અને બે સીમકાર્ડ મળી આવ્યા છે. વિશાલ ગોસ્વામી લૂંટ, ફાયરિંગ અને હત્યા જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. આટલા ખતરનાક કેદી પાસે જેલની અંદર હાઈટેક મોબાઈલ ફોન મળી આવતા જેલની કડક સુરક્ષા અને વોચ ટાવરોના સર્વેલન્સ સામે ગંભીર પ્રશ્નાર્થો ઉઠ્યા છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, ગેંગસ્ટરે જેલની દિવાલમાં બાકોરું પાડ્યું હતું અને તેમાં એક પ્લાસ્ટિકના ડબ્બામાં આ મોબાઈલ ફોન છુપાવી રાખ્યા હતા. જેલની દિવાલો ભેદીને કેદીઓ કેવી રીતે આવા પ્રતિબંધિત સાધનો અંદર લાવે છે તે બાબત ચિંતાનો વિષય બની છે. આ સમગ્ર મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ મોબાઈલ ફોન કોણે જેલમાં પહોંચાડ્યા તેમજ વિશાલ ગોસ્વામી જેલની અંદરથી કોની સાથે સંપર્કમાં હતો, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. જેલના કર્મચારીઓની મીલીભગત છે કે કેમ તે અંગે પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
