સદીના મહાનાયક અમિતાભ બચ્ચન તાજેતરમાં 83 વર્ષના થયા છે. તેઓ આજે પણ સતત કામ કરી રહ્યા છે અને ફિલ્મોની સાથે ટીવી પર ‘કૌન બનેગા કરોડપતિ’ હોસ્ટ કરતા જોવા મળે છે, જોકે હાલમાં જ ‘KBC’ના એક એપિસોડ દરમિયાન કંઈક એવું થયું કે ‘બિગ બી’ના ચાહકો નારાજ થઈ ગયા.
‘KBC’ના તાજેતરના એક એપિસોડમાં ગાંધીનગરનો ધોરણ પાંચનો વિદ્યાર્થી ઈશિત ભટ્ટ હોટ સીટ પર આવ્યો હતો. જ્યારે અમિતાભ બચ્ચને ઈશિતને પૂછ્યું કે તેને કેવું લાગી રહ્યું છે, તો તેણે કહ્યું- ‘હું ખૂબ ઉત્સાહિત છું, પણ આપણે સીધા મુદ્દા પર આવીએ. તમે મને ગેમના નિયમો સમજાવવા ન બેસતા, કારણ કે મને તેના તમામ નિયમો વિશે ખબર છે.’ આ સાંભળીને બચ્ચન સાહેબ સ્મિત કરીને આગળ વધ્યા અને રમતની શરૂઆત કરી. ઇશિતે અમિતાભ બચ્ચનને અન્ય પ્રશ્નો દરમિયાન ઘણી વખત અટકાવ્યા, જેનાથી તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું. અમિતાભ બચ્ચનના હાવભાવ બદલાયા, પરંતુ તેમણે ખૂબ જ શાંત અને સંયમથી પરિસ્થિતિને સંભાળી. બડાઈ મારવાના ચક્કરમાં ઇશિતે ‘રામાયણ’ વિશેના પ્રશ્નનો ખોટો જવાબ આપ્યો અને જીતની રકમ ગુમાવી દીધી. બાળકના આ વર્તનથી ઇન્ટરનેટ પર લોકોએ તેના પર નારાજગી વ્યક્ત કરી અને તેના સંસ્કારો પર સવાલો ઊઠવાના શરૂ થયા, જોકે આ રિયાલિટી શો છે, તેથી એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ રમૂજ માટે સ્ક્રિપ્ટનો એક ભાગ હોઈ શકે છે.
ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જીએ પણ બાળકની ટીકા કરી છે. તેણે પૂછ્યું, શું બાળકોને આ જ શિક્ષણની જરૂર છે?” રાની ચેટર્જીએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઇશિત ભટ્ટ પર પ્રહાર કરતાં લખ્યું, “શું આ શિક્ષણ છે? દુઃખની વાત છે કે આ આપણી આગામી પેઢી છે. સારું છે, મારા ઘરનાં બાળકો મારી સાથે ખૂબ જ સારી રીતે વર્તે છે. તે જે કરી રહ્યો છે એનાથી મને શરમ આવે છે.
જુનિયર KBCમાં ઇશિત ભટ્ટનો વીડિયો ઘણો વિવાદિત રહ્યો છે. આ દરમિયાન શોમાં એક અન્ય કન્ટેસ્ટન્ટને પણ વિવાદમાં ખેંચવામાં આવ્યો છે અને હદ તો ત્યાં થઈ ગઈ આ બાળકના વર્તન બાદ અમિતાભ બચ્ચન બોલવા પર મજબૂર થઈ ગયા. દેહરાદૂનથી અંજલિ નથાની ₹3 લાખના પ્રશ્ન માટે ‘ઓડિયન્સ પોલ’ લાઈફલાઈનનો ઉપયોગ કરે છે. અંજલિ સારું રમી રહી હતી, પણ એટલી બધી વાતો કરી રહી હતી કે અમિતાભ આશ્ચર્યચકિત થઈ ગયા. અંજલિ તેની પસંદ-નાપસંદની ચર્ચા કરી રહી હતી. તેણે એ પણ ઉલ્લેખ કર્યો કે તેને ફાસ્ટ ફૂડ બહુ ભાવે છે, પણ તેની મમ્મી ખાવા નથી દેતી. અમિતાભ અંજલિની પ્રશંસા કરી રહ્યા હતા, પણ પછી તેમણે કહ્યું કે- મને ખબર નથી કે આજકાલ બાળકો આવી રીતે કેવી રીતે વાત કરે છે.
એવું માનવામાં આવે છે કે અમિતાભ બચ્ચને પણ આ વાત કહી ઇશિત ભટ્ટની વાતો પર રિએક્શન આપ્યું હતું, જોકે ‘બિગ બી’ની આ કોમેન્ટ માત્ર તે બાળક માટે જ હતી એવી વાતની કોઈ પુષ્ટિ થઈ નથી. દર્શકોએ ગુજરાતના ગાંધીનગરના પાંચમા ધોરણના વિદ્યાર્થી ઇશિત ભટ્ટના આત્મવિશ્વાસની પ્રશંસા કરી હતી, તો ‘બિગ બી’ પ્રત્યેના તેના વર્તન માટે તેની ટીકા પણ થઈ હતી.
