અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં સૌથી વધુ પાર્કિંગની સમસ્યા રહે છે, ત્યારે દાણાપીઠ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાછળ જ મલ્ટીલેવલ પાર્કિંગ અને નવું ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે, પરંતુ આ પાર્કિંગ અને ફાયર સ્ટેશન નાગરિકો માટે ઉપયોગી બન્યું નથી.
એક તરફ શહેરના મલ્ટીલેવલ પાર્કિંગો ખાલી રહે છે તો બીજી તરફ વાહન પાર્કિંગ માટે મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર છે, પરંતુ બિલ્ડિંગને હેરિટેજ લુક આપવાનો બાકી હોવાને કારણે શરૂ થઈ નથી. વાહનચાલકો આ પાર્કિંગ ક્યારે શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય આફિસ દાણાપીઠ પાછળ જૂનું ફાયર સ્ટેશન તોડી ત્યાં નવું ફાયર સ્ટેશન અને મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવા વર્ષ 2019થી શરૂઆત કરી હતી. કોટ વિસ્તારમાં પાર્કિંગ માટે આ મલ્ટીલેવલ પાર્કિંગ ખૂબ જ જરૂરી છે,
આ મલ્ટીલેવલ પાર્કિંગની કામગીરી 80થી 90% જેટલી પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ હવે મલ્ટીલેવલ પાર્કિંગ હેરિટેજ સ્થળોની આસપાસ આવેલું હોવાથી તેને હેરિટેજ લૂક આપવાનો બાકી હોવાના કારણે કામગીરી અધુરી રહી છે અને હજી સુધી મલ્ટીલેવલ પાર્કિંગ લોકો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું નથી. જેથી લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે.
પાંચ વર્ષ પહેલાં આ બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યું હતું અને કામગીરી વર્ષ 2022માં શરૂ થઈ હતી. મલ્ટીલેવલ પાર્કિંગની બાજુમાં ફાયર સ્ટેશન અને ક્વાટર્સ પણ બનાવવામાં આવ્યા છે. જેની અત્યારે હાલ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. AMCની ધીમી કામગીરીથી એક વર્ષથી લોકો ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
દાણાપીઠ મલ્ટીલેવલ પાર્કિંગ અને ફાયર સ્ટેશન હેરિટેજ સ્થળની 100થી 300 મીટરની મર્યાદામાં આવે છે. જેને લઇને હવે યુનેસ્કો-આર્કોલોજી વિભાગ દ્વારા હવે હેરિટેજ લૂક આપવા માટે AMCને પત્ર લખીને જાણ કરી છે. જેના પગલે AMC દ્વારા હવે પાર્કિંગને હેરિટેજ લૂક આપવાનો હોવાથી તેની કામગીરી કરવામાં આવશે.