ગાંધીનગર શહેરના જુના સેક્ટરોમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીના વિતરણને કારણે જન આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. સ્માર્ટ સિટી યોજના હેઠળ કરોડોના ખર્ચે નખાયેલી નવી પાઈપલાઈનોમાં વારંવાર પડતા ભંગાણને કારણે પીવાના પાણીમાં ગટરનું ગંદું પાણી ભળતું હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે.
તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 67 શંકાસ્પદ કેસો નોંધાયા હોવાનો ગઈકાલે દાવો કરાયો હતો. જેમાંથી 42 દર્દીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને સેક્ટર-24 તથા 29ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે સારવાર આપવામાં આવી રહી છે. જોકે મોડી સાંજ સુધીમાં વધુ કેસો મળી આવે તો નવાઈ નહીં. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશાબહેનો સહિત 80થી વધુ સ્ટાફની 40 ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. આરોગ્ય ટીમો દ્વારા અત્યાર સુધીમાં 38,000થી વધુની વસ્તીને આવરી લેતા 10,000 ઘરોમાં તપાસ કરવામાં આવી છે.
ગાંધીનગર સિવિલ તંત્ર અલગ જ ચિતાર દર્શાવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. મીતાબેન પરીખે પરિસ્થિતિની ગંભીરતા જણાવતા કહ્યું છે કે, હોસ્પિટલમાં અત્યારે 104 જેટલા બાળકો સારવાર હેઠળ છે અને છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ કેસોના દરમાં 50 ટકા જેટલો જંગી વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં 1થી 16 વર્ષની વયના બાળકો સૌથી વધુ ભોગ બની રહ્યા છે. હાલમાં 104 બાળકો F2 અને E2 વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. દર્દીઓનો ધસારો એટલો વધ્યો છે કે, તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ‘વોર્ડ નંબર 604’ નવો શરૂ કરવાની ફરજ પડી છે.
ડૉ. મીતાબેનના જણાવ્યા અનુસાર, બાળકો હાઈ ગ્રેડ ફીવર, પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ સાથે આવી રહ્યા છે. જેમને હાલ આઈ.વી. ફ્લુઈડ્સ અને એન્ટિબાયોટિક્સ દ્વારા સ્થિર કરવામાં આવ્યા છે. રેપિડ રિસ્પોન્સ ટીમ (RRT) દ્વારા સેક્ટર-24, 28 અને આદિવાડા જેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારોમાંથી લેવામાં આવેલા પાણીના સેમ્પલની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે વિતરણ કરવામાં આવતું પાણી પીવાલાયક નહોતું. આ અશુદ્ધ પાણીના કારણે જ વિડાલ ટેસ્ટ અને બ્લડ કલ્ચર રિપોર્ટમાં ટાઇફોઇડના બેક્ટેરિયા જોવા મળ્યા છે.