હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો
લગ્નની સીઝન પર આભ ફાટ્યું
સુરત-અંકલેશ્વર, છોટાઉદેપુર સહિતમાં વરસાદ
લગ્ન મંડપ પલળી ગયો, રોડ પર પાણી વહેતા થયા
રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય
અંકલેશ્વર, હાંસોટ, છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા
CMના કાર્યક્રમને લઈ તંત્રમાં દોડધામ, ‘બુક ફેર’નો ડોમ પલળી ગયો
સુરતના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે (20 ફેબ્રુઆરી) વહેલી સવારથી જ સુરત, અંકલેશ્વર, હાંસોટ, દાહોદ, ગોધરા, પંચમહાલ, વડોદરા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ઝાપટાં પડ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં લગ્નપ્રસંગોમાં અડચણ ઊભી થઈ છે. સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. લગ્નની સીઝન ફૂલ જોશમાં ચાલતી હોવાથી, ખુલ્લા મેદાન કે પાર્ટી પ્લોટમાં બાંધેલા લગ્ન મંડપ અને શણગાર પલળી ગયા છે. વરસાદી ઝાપટાંને કારણે વહેલી સવારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી ઠંડીનું જોર પણ વધ્યું છે. ફેબ્રુઆરીમાં થયેલા આ માવઠાને કારણે લોકોએ એકસાથે ત્રણ ઋતુનો અનુભવ કર્યો હતો, સવારે ઠંડી, બપોરે ગરમી અને ત્યારબાદ વરસાદ.
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી કેટલાક વિસ્તારોમાં વરસાદ તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી કેટલાક દિવસોમાં આશરે 30થી 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર પશ્ચિમના પવનોની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. 24 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાન આગામી 2 દિવસમાં 2થી 3 ડિગ્રીનો ક્રમશઃ વધારો જોવા મળી શકે છે.
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કમોસમી વરસાદ વરસતાં સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હાંસોટ તાલુકાના ઇલાવ, સાહોલ, બાલોતા, સુણેવ, ઓભા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદને કારણે ખેતીના ઉભા પાકને નુકસાન થવાની શક્યતાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. તો હવામાનમાં આવેલા આ અચાનક ફેરફારની સામાન્ય જનજીવન પર પણ અસર જોવા મળી હતી.
છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો નોંધાયો છે. સવારે 4:30 કલાકે ચોમાસાની જેમ કમોસમી વરસાદ શરૂ થયો હતો. આ કમોસમી વરસાદ કપાસની ખેતી કરતા ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. વડોદરાના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. ઘણા વિસ્તારમાં છાંટા પડ્યાં હતાં. દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો શહેર સહિત લીમખેડાના આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.
સુરત શહેરમાં વહેલી સવારથી જ ખાબકેલા વરસાદે મનપાની ચિંતામાં વધારો કર્યો છે. ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા આયોજિત ‘બુક ફેર’માં મુખ્યમંત્રીના આગમનને લઈ જે ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો, તે વરસાદી પાણીમાં ભીંજાઈ જતા દોડધામ મચી ગઈ હતી. આ પરિસ્થિતિને થાળે પાડવા અને કાર્યક્રમમાં વિક્ષેપ ન પડે તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સવારના વહેલી પોરમાં જ ટ્રકો ભરીને તાડપત્રીઓ મંગાવવામાં આવી હતી, જેથી ભીંજાયેલા ડોમને સુરક્ષિત કરી શકાય અને આયોજન સુચારુ રીતે પાર પાડી શકાય.