લગ્ન જીવનના 15 વર્ષ દરમિયાન દંપતી વચ્ચે સર્જાયેલા ખટરાગનો મામલો પતિ દ્વારા અદાલતના દ્વારે લઈ જવાયો છે.દંપતીના બાળકોની કસ્ટડી માતા પાસે છે. બાળકોના પિતા હયાત હોવા છતાં શાળાના રજિસ્ટરમાં બાળકોના નામ પાછળથી પિતાનું નામ કમી કરીને માતાનું નામ લખવામાં આવ્યું હોવાનો મુખ્ય આક્ષેપ છે. અદાલતના હુકમથી અટલાદરા પોલીસે શહેરના બિલ વિસ્તારની વિબગ્યોર સ્કૂલના માલિક તેમજ બાળકોની માતા સામે વિશ્વાસઘાત તેમજ ખોટા દસ્તાવેજ બનાવવાની કલમ અંગે FIR નોંધીને તપાસ શરૂ કરી છે.
રાજયના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સાથે પત્નીના અનૈતિક સંબંધ હોવાનો ફરિયાદીએ FIRમાં ગંભીર આક્ષેપ કર્યો છે. હાલમાં શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતાં 44 વર્ષીય વ્યકિતએ પોતાની પત્ની તેમજ સ્કૂલના માલિક તથા સંચાલક સામે ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યા પ્રમાણે તેણે શહેરમાં રહેતી એક યુવતી સાથે લગ્ન કર્યા હતાં. દંપતીનો લગ્ન ગાળો 15 વર્ષનો છે સંતાનમાં બે પુત્રી છે.દંપતી વચ્ચે ખટરાગ ચાલે છે અદાલતમાં કેસ પેન્ડિંગ છે.બે પુત્રીની કસ્ટડી માતા પાસે છે.બાળકોના જન્મના દાખલામાં, પાસપોર્ટમાં તથા સ્કૂલમાં અભ્યાસ કરવા માટે મૂક્યાં હતા ત્યારે તેમના નામ પાછળ પિતાનું નામ લખેલું હતું. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે તેમની પત્ની ઘર સંસારનો ત્યાગ કરીને જુદી રહેવા માટે જતી રહી હતી.
ઉત્તર ગુજરાતના એક નગરની સ્કૂલમાંથી બાળકોના ઍડમિશન કઢાવીને વડોદરા શહેરના બિલ ખાતે આવેલી વિબગ્યોર સ્કૂલમાં ઍડમિશન લીધું હતું.આ સ્કૂલના રજિસ્ટરમાં પિતાનું નામ કમી કરીને માતાનું નામ લખ્યું છે.જ્ઞાતિ બદલી છે અદાલતના આદેશ વગર અથવા ગુજરાત રાજ્યના ગેઝેટમાં પસિદ્ધ કરાવ્યા સિવાય નામ કમી થઈ શકે નહિં.આમ છતાં બિલની સ્કૂલના સંચાલકો સાથે મેળાપીપણામાં સ્કૂલના ચોપડામાં બાળકોના નામ પાછળથી પિતાનું નામ અને અટક કમી કરાવ્યું છે.સ્કૂલ પાસેથી પણ આમ કરવાની સત્તા નથી.ફરિયાદીને આ અંગેની જાણ થતાં તેમણે સ્કૂલના સંચાલકોને આ સંબંધમાં જાણ કરીને પોતાનું નામ રાખવા જણાવ્યું હતું પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહતી.કોર્ટના હુકમ આધારે અટલાદરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.