આજે હનુમાન જયંતી નિમિત્તે શહેરના દરેક હનુમાન મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા હનુમાન કેમ્પ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો એ હનુમાનજીના દર્શન કર્યા હતા અને પ્રસાદનો લ્હાવો લીધો હતો.
આજે હનુમાન જયંતી નિમિત્તે અમદાવાદ કેમ્પ હનુમાનના મંદિરને વિવિધ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવ્યું છે. હનુમાન જયંતીની 251 કિલો માવાની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. ભક્તોની ભારે ભીડને કારણે મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
ટ્રસ્ટી મંડળ સભ્ય સરિતભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે, જૂના વર્ષોના અનુભવ પરથી આ વર્ષે 70 હજારથી 1 લાખ લોકો દર્શનનો લાભ લેશે તેવી આશા છે. મંદિર સવારે 6 વાગ્યાથી ભક્તો માટે ખુલ્લું છે. રાત્રે 12થી 12:15 સુધી દર્શન ખુલ્લા રાખવા માટે આર્મીની પરવાનગી લેવામાં આવી છે.
સવારે 7થી 9 વાગ્યા સુધી સુંદરકાંડના પાઠ કરવામાં આવ્યા હતા. સવારે 10 વાગ્યે શ્રી હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સવારે 11 વાગ્યે ધજા ચડાવવામાં આવી હતી. સવારે 10:30 વાગ્યે શ્રી મારુતિ યજ્ઞનો પ્રારંભ થયો, જેની પૂર્ણાહુતિ સાંજે 5 વાગ્યે થશે.
સાંજે 6:30 વાગ્યે સંધ્યા આરતી થશે. ભોજન અને પ્રસાદનું લગભગ 15 હજાર લોકો માટે ભંડારાનું આયોજન છે. 251 કિલો દૂધના માવાની કેક ધરાવવામાં આવશે. 251 કિલો બુંદીનો પ્રસાદ ધરાવવામાં આવશે અને ભક્તોને વહેંચવામાં આવશે.