અમદાવાદ શહેરના ડિકેબિનથી વાડજ ચંદ્રભાગાના નાળા સુધીના રીડવલપમેન્ટની કામગીરીમાં સુધાકર નામના કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ઉપર માટી ઉડાડવાથી લઈને તેમના આરએમસી પ્લાન્ટના કારણે આખો વિસ્તાર પ્રદૂષિત થયો છે. 24 કલાક આ રોડ ઉપર માટી ઉડતી હોય છે જેના કારણે થઈને ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ખૂબ જ હાલાકી પડે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના અધિકારી રાકેશ બોડીવાલાએ જણાવ્યું હતું કે, ચંદ્રભાગા નાળાના રી ડેવલપમેન્ટની કામગીરી બે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે. જેમાં ડીકેબીનથી કાળી ગામ સુધી સુધાકર અને કાળીગામથી વાડજ સુધી પી.દાસ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ડી કેબીનથી નવા રેલવે અન્ડરપાસ સુધી કામગીરી દરમિયાન ધૂળ ઉડતી હોય કે રોડ ઉપર માટી હશે તો આ બાબતે હું તપાસ કરાવી લઉં છું.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નાળા બંધ કરવામાં આવી રહ્યા છે. ચંદ્રભાગાનું નાળામાં બંધ કરવા માટે ડીકેબિન અંડરપાસથી કાળીગામ સુધીના નાળાની કામગીરીમાં સુધાકર નામના કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ડિકેબીન અંડરપાસથી કાળીગામના નવા બનાવેલા રેલવે અન્ડર પાસ સુધીની અત્યારે જે કામગીરી ચાલી રહી છે, તેમાં 500 મીટરનો રોડ ધૂળવાળો કરી નાખવામાં આવ્યો છે. બંને અંડરપાસ વચ્ચેના રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ધૂળ ઉડવાનો સામનો કરવો પડે છે ખાસ કરીને રેલ્વે યાર્ડની ઓફિસ પાસે કોન્ટ્રાક્ટરને ખુલ્લેઆમ RMC પ્લાન્ટ બનાવવાની મંજૂરી આપી દીધી છે અને ત્યાં જ બધી માટી રાખવામાં આવી છે જેના કારણે થઈને ધૂળ ઊડી રહી છે.
આખો નવો રેલવે અંડર પાસ પણ ધૂળથી ભરાઈ ગયો છે. રોજની ખૂબ મોટી સંખ્યામાં ધૂળ ઉડે છે અને જો આ વિસ્તારમાં એર ક્વોલીટી ઇન્ડેક્સ માપવામાં આવે તો 500થી પણ ઉપર જાય એટલી ખરાબ સ્થિતિ આ વિસ્તારમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી કામગીરીના કારણે થઈ રહી છે. એક તરફ શહેરમાં મ્યુનિસિપલ કમિશનર ગુડ કન્સ્ટ્રક્શન સાઈટ પ્રેક્ટિસનો અમલ કરવા માટેની સૂચના આપી રહ્યા છે.
પરંતુ ખુદ તેમના જ કોન્ટ્રાક્ટરો આ પોલીસીનો અમલ કરી રહ્યા નથી. સામાન્ય જો ગ્રીન નેટ ના લગાવી હોય અથવા તો પાણી રોડ ઉપર છાંટવામાં ન આવ્યું હોય તો સાઈડના સીલ કરવાથી લઈ મોટો દંડ કરવામાં આવે છે ત્યારે આ કોન્ટ્રાક્ટરની સાઈટને સીલ કરી દેવામાં આવશે કે તેને ખૂબ મોટો દંડ કરાશે તેને લઈને સવાલ છે.