ઘટનાની મળતી માહિતી અનુસાર, પાંડેસરાની એક શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે નાચવા (ડાન્સ કરવા) બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. જોકે, આ વિવાદ એટલો વકર્યો કે ચાર વિદ્યાર્થીઓએ ઉશ્કેરાઈ જઈને તેમના જ સાથી મિત્ર પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં વિદ્યાર્થીને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આશ્ચર્યની વાત એ છે કે, હુમલો કરનાર અને ભોગ બનનાર તમામ એકબીજાના મિત્રો હતા. સાથે અભ્યાસ કરતા કિશોરોમાં નજીવી વાતમાં ચપ્પુ કાઢવાની આ પ્રવૃત્તિ સમાજ માટે ચિંતાનો વિષય બની છે. બનાવની જાણ થતા જ પાંડેસરા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
પાંડેસરા પોલીસે આ મામલે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની પૂછપરછ કરી ચારેય હુમલાખોર વિદ્યાર્થીઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે, વિદ્યાર્થીઓ પાસે ચપ્પુ ક્યાંથી આવ્યું અને શું અગાઉ પણ તેમની વચ્ચે કોઈ અદાવત હતી કે કેમ.