અમદાવાદના એરપોર્ટ પર કુઆલાલમ્પુરથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી કસ્ટમ્સ વિભાગે અંદાજે 83 લાખ રૂપિયાની કિંમતનું સોનું ઝડપી પાડ્યું છે.
મળતી માહિતી મુજબ, મહિલા મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા કસ્ટમ્સના અધિકારીઓએ તેની પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાએ અત્યંત જોખમી રીતે સોનાની પેસ્ટ બનાવી તેને કેપ્સ્યુલ્સમાં ભરી પોતાના શરીરમાં છુપાવી હતી. અધિકારીઓએ આ કેપ્સ્યુલ્સ કબજે કરી તેમાંથી સોનું રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
કસ્ટમ્સ વિભાગે મહિલા પાસેથી કુલ 553.07 ગ્રામ (24 કેરેટ) સોનું જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત અંદાજે 83 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે. મહિલા મુસાફર વિરુદ્ધ દાણચોરીનો ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે અને આ રેકેટમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં વધુ તપાસ તેજ કરવામાં આવી છે.