ઇરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધના કારણે UAE, સાઉદી અરેબિયા, ઓમાન અને કતાર જેવા ખાડી દેશોમાં ફસાયેલા લોકોની મદદ માટે વિવિધ સામાજિક સંસ્થાઓની સાથોસાથ વેપારી સંસ્થાઓ પણ આગળ આવી છે. ઇનગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશન (IBF)એ ભારતીય નાગરિકો માટે હેલ્પ ડેસ્ક શરૂ કર્યું છે. અત્યારસુધીમાં 82થી વધુ લોકોએ હેલ્પ ડેસ્કમાં ઇન્કવાયરી કરી છે. જ્યારે 6 વ્યક્તિઓને IBFની મદદથી અમદાવાદ પરત લવાયા છે.
હેલ્પ ડેસ્ક શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તે અંગે જણાવતાં તેમણે કહ્યું કે, આ યુદ્ધ થયું પછી અમને સમાચાર મળ્યાં કે વેપારીઓને પાછાં આવવામાં બહુ તકલીફ છે. 2-3 ડ્રોન ત્યાં બ્લાસ્ટ થયાં એટલે બહુ પેનિક થઇ ગયું હતું. આવામાં IBFએ નક્કી કર્યું કે આપણે હેલ્પ ડેસ્ક ચાલુ કરીએ. જેથી અમે આ હેલ્પ ડેસ્ક ચાલુ કર્યું હતું અને ઇ-મેઇલ તેમજ મોબાઇલ નંબર આપ્યા હતા. અમે સરકાર અને એમ્બેસીને સાથે રાખીને વેપારીઓને મદદ કરીશું.
ઇરાનના હુમલા બાદ દુબઇમાં ઘણા ભારતીયો ફસાયેલા છે. ભારતની કોન્સ્યૂલેટ જનરલ દુબઇમાં અને એમ્બેસી અબુ ધાબીમાં આવેલી છે. ફસાયેલા લોકોએ IBFનો સંપર્ક કરતાં IBFએ કોન્સ્યૂલેટ જનરલ અને ભારતીય દૂતાવાસને જાણ કરી હતી. સાથે જ ફસાયેલા લોકો વિશે માહિતી આપી હતી. જેના પછી દૂતાવાસના અધિકારીઓએ તેમને સંપર્ક કરવાની ખાતરી આપી હતી. દૂતાવાસના અધિકારીઓએ ફોર્માલિટી પૂરી કરી અને ફસાયેલા લોકોમાંથી 6 લોકો અમદાવાદ પાછા આવી ગયા છે. આ 6 લોકોમાં એક વ્યક્તિ તો ડાયાબિટીસની દર્દી હતી. જ્યારે એક પરિવારને એક વર્ષનું બાળક હતું.
પરત ફરેલા 6 લોકોમાં સુમંત ચૌધરી નામના એક બિઝનેસમેન પણ હતા. તેમણે IBFનો આભાર માન્યો છે.
IBFના સેક્રેટરી હિરેન ગાંધીએ જણાવ્યું કે, દુબઇ બિઝનેસ સેન્ટર છે અને ત્યાંથી બીજા ખાડી દેશોની કનેક્ટિવિટી મળે. ગુજરાત અને ભારતના ઘણા વેપારીઓ ત્યાં અવર જવર કરતાં હોય છે. અહીંથી 2-2:30 કલાકનો રૂટ છે. દુબઇમાં ગુજરાતીઓનું વર્ચસ્વ બહુ સારું છે.
તેમણે ફસાયેલા લોકોને ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવાની અપીલ કરી. તેઓ કહે છે કે, ફસાયેલા લોકો ઇન્ડિયન એમ્બેસીનો પ્રોપર સંપર્ક કરે. એમ્બેસીમાંથી ફોર્મ આપશે જે સબમિટ કરવાથી ઇમિગ્રેશન અને ફ્લાઇટ બુકિંગ બાબતે મદદ મળશે. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સનો સંપર્ક કરો. તમને સપોર્ટ અને રસ્તો મળી રહેશે. જે પ્રોટોકોલ હોય, ફોર્માલિટી હોય તે ત્યાં જઇને પૂરી કરો. ઇન્ડિયન ગર્વમેન્ટ સંપૂર્ણ સક્રિય છે. અમારો પણ સંપર્ક કરો. અમે તમને સપોર્ટ કરીશું, સમજાવીશું. કોઇએ પેનિક થવાની જરૂર નથી.
તેઓ કહે છે કે, લગેજ વધુ હોવાથી 2 માણસોની જગ્યા ઓછી થાય છે. આવું કરવાની શું જરૂર છે? લગેજ ઓછો કરી દો અને શોપિંગ ટાળો, શોપિંગ કરવાની જરૂર નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે, જેને હેલ્થનો પ્રોબ્લેમ હોય કે નાના બાળકો હોય, મહિલા હોય તેમને અમે પ્રાયોરિટી આપીએ છીએ. સરકારની ગાઇડલાઇન પ્રમાણે પેપર વેરિફાય કરવાના હોય તેમને અમે બેકસપોર્ટ આપીએ છીએ. ટૂંક સમયમાં બધાં પાછાં આવી જશે.