વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ગુજરાત સાયન્સ સિટીમાં ચકલી સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહેરોમાં ઘટતી ચકલીની સંખ્યા અંગે જાગૃતિ ફેલાવવાનો અને લોકોમાં પ્રકૃતિ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો.
કાર્યક્રમમાં અમદાવાદ તથા આસપાસના વિસ્તારોની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને ચકલીનું પર્યાવરણમાં મહત્વ, તેના નિવાસસ્થાનમાં થતા ફેરફારો અને માનવ જીવન સાથેના તેના સંબંધ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બર્ડ હાઉસ બનાવવાની પ્રવૃત્તિ, ચકલી માટે પાણી અને દાણા મુકવાની સરળ રીતો અંગે પ્રદર્શન તેમજ જાગૃતિ અંગેના સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ ચકલી સંરક્ષણ માટે સંકલ્પ લીધો અને પર્યાવરણને સાચવવા માટે પોતાની જવાબદારી નિભાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
ગુજરાત સાયન્સ સિટી દ્વારા આયોજિત આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં વિજ્ઞાન સાથે પર્યાવરણ જાગૃતિનું સંકલન કરવામાં આવ્યું, જે ભવિષ્યમાં પ્રકૃતિપ્રેમી અને જવાબદાર નાગરિકો ઘડવામાં મદદરૂપ સાબિત થશે.
આવા કાર્યક્રમો દ્વારા ગુજરાત સાયન્સ સિટી સતત સમાજમાં પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે પ્રયત્નશીલ છે.