રાજકોટના જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં 1400થી વધુ ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવવા રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર સજ્જ છે. શહેરના ભક્તિનગર સર્કલ પાસે શેઠ હાઈસ્કૂલમાં મોટી કોર્પોરેશનના 1200થી વધુ અને પોલીસ વિભાગના 1500થી વધુ અધિકારીઓ-કર્મચારીઓ એકત્ર થયા છે. સાથે જ કોર્પોરેશનના ત્રણેય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, દબાણ હટાવ શાખા, વિજિલન્સ સમિતિ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા છે. આજે 21 ફેબ્રુઆરીને શનિવારે 7 રૂટમાં પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે અને દબાણકારોને ઘર ખાલી કરવા સમજાવવામાં આવશે. સવારથી શરૂ થયેલી આ કામગારી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. જંગલેશ્વરની 78 જેટલી સોસાયટી-ગલીઓમાં જઈ કોર્પોરેશન અને પોલીસની ટુકડી લોકોને દબાણ ખાલી કરવા જણાવશે.
તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા તથા નગર રચના યોજના નં. 6 હેઠળના 15 મીટરના ટી.પી. રોડ પરના ગેરકાયદે દબાણો દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. આ ડિમોલિશનને લઈ ભાસ્કરના અહેવાલ બાદ તેના પર સત્તાવાર મહોર મારી દેવામાં આવી હતી.
18 ફેબ્રુઆરીએ મનપા દ્વારા સત્તાવાર જાહેરાત કરી હતી કે, 23 ફેબ્રુઆરીએ સવારથી જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના કાંઠે 1492 જેટલા ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવી મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરાશે. આ માટે તમામ વિભાગો સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને વિસ્તારના લોકોને પણ બે દિવસમાં જાતે જ મકાનો ખાલી કરી દેવા માટે અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી રહી છે, અન્યથા કોઈ જાનમાલ નુકશાન થાય તો તંત્રની જવાબદારી રહેશે નહીં તેવો સ્પષ્ટ સંદેશ પણ આપી દેવામાં આવ્યો છે.
જંગલેશ્વર શેરી નંબર 3માં રહેતા હારુનભાઈ સુમરાએ જણાવ્યુ હતુ કે, હું અહીં મારો જન્મ થયો ત્યારથી એટલે કે 43 વર્ષથી રહું છું. હું અને મારી બેન બંને દિવ્યાંગ છીએ. મજૂરી કરીને આટલા વર્ષ સુધી પરિવારનું ગુજરાત ચલાવ્યું અને હવે આ મકાન પડી રહ્યું છે. અમે બધા જ દિવ્યાંગો કોર્પોરેશનના કમિશનર તેમજ કલેકટર કચેરી સહિતમાં મળવા માટે ગયા હતા, પરંતુ અમારું મકાન તોડી પાડવામાં આવશે તેવી બે દિવસ પહેલાં જાણ કરવામાં આવી. હવે અમારે જાવું કઈ જગ્યાએ ? અમારે હવે રોડ ઉપર રહેવાનો વખત આવ્યો છે.
https://www.instagram.com/reel/DVAqX-IE8SG/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
હલીમબેને કહ્યું કે, 50 વર્ષથી અહીં રહીએ છીએ. અમને મકાન ખાલી કરવા કહ્યું છે. અમને કોઈ ભાડે મકાન આપવા તૈયાર નથી. 8 વ્યક્તિઓને કોઈ ભાડે મકાન આપતું નથી. રોડ ઉપર રહેવા માટે જગ્યા કરીએ છીએ.
PGVCLના નાયબ એન્જિનિયર ડી. વાય. મહેતાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં સૌથી વધુ વીજ ચોરી જો ક્યાંયથી પકડાતી હોય તો તે જંગલેશ્વર વિસ્તાર છે. અહીંથી દર વર્ષે અંદાજે રૂ.50 લાખથી વધુની વીજ ચોરી ઝડપી પાડવામાં આવે છે.