વડોદરાની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. વડોદરા ન્યાય મંદિર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દિવાળીપુરાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સમાચાર મળતા જ પોલીસ અને બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.
કોર્ટમાંથી વકીલોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. કોર્ટ સંકુલ બહાર વકીલોના ટોળેટોળા જામ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.
ધમકીની ગંભીરતાને જોતા તમામ સંબંધિત કોર્ટોની ન્યાયિક કાર્યવાહી તાત્કાલિક ધોરણે રોકી દેવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટ, ગાંધીનગર અને વડોદરા કોર્ટ પરિસરને તાત્કાલિક ખાલી કરાવી દેવાયું છે. પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ દ્વારા ખૂણે-ખૂણે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વકીલો, અસીલો અને કર્મચારીઓને સુરક્ષિત અંતરે ખસેડવામાં આવ્યા છે.
https://www.instagram.com/reel/DU2Z7UXE3LJ/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા એક ઈ-મેઈલ (Email) માં કોર્ટ સંકુલમાં બોમ્બ હોવાનો અને તેને ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
ધમકી મળતા જ સાવચેતીના ભાગરૂપે કોર્ટની તમામ કાર્યવાહી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે. જજ, વકીલો, કર્મચારીઓ અને અસીલોને સલામત રીતે બહાર ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હાલમાં સ્થાનિક પોલીસની સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના દરેક ખૂણે-ખૂણાનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર સંકુલને કોર્ડન કરી દેવામાં આવ્યું છે. ચેકિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને સ્થિતિ સુરક્ષિત જણાશે પછી જ કોર્ટની કામગીરી ફરી શરૂ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવશે. આ સાથે જ, આ ઈ-મેઈલ ક્યાંથી અને કોણે મોકલ્યો છે તે જાણવા માટે સાયબર ક્રાઈમની ટીમ પણ તપાસમાં જોડાઈ છે.